ગેરકાયદેસર ઊંચા વ્યાજે નાણા ધીરવા અને પઠાણી ઉઘરાણી મામલે કાલોલ પોલીસે ત્રણ સામે કાર્યવાહી, વધુ પીડિતોને આગળ આવવા અપીલ
પંચમહાલ જિલ્લાના કાલોલ પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે નાણા ધીરવા, પઠાણી ઉઘરાણી કરવા તેમજ ધાક-ધમકી આપવાના આક્ષેપોને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પંચમહાલ-ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરી તથા પંચમહાલના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સફીન હસનના માર્ગદર્શન હેઠળ, કાલોલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક નવીન આહિરના માર્ગદર્શન મુજબ કાલોલ પોલીસ દ્વારા મળેલી ફરિયાદોના આધારે ગુનાઓ નોંધવામાં આવ્યા છે.
પોલીસે નોંધેલા ગુનાઓ મુજબ આરોપીઓમાં: • દીપેશ રાજપૂત (માં ફાઈનાન્સના માલિક), કાલોલ
- જીગર પરમાર, શામળદેવી, તા. કાલોલ
- અરવિંદ મકવાણા, કાલોલ
આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો તેમજ ગુજરાત નાણા ધીરનાર અધિનિયમ હેઠળ બે અલગ-અલગ ગુનાઓ નોંધાયા છે. પોલીસ દ્વારા કેસમાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસની જનજાગૃતિ અપીલ:
કાલોલ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે નાણા ધીરે, વધુ વ્યાજ વસૂલે, ધાક-ધમકી આપે અથવા પઠાણી ઉઘરાણી કરે તો ગભરાયા વિના તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે.
સાથે જ પોલીસે જણાવ્યું છે કે જો ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધ અન્ય કોઈ નાગરિકને પણ ફરિયાદ હોય તો તેઓ કાલોલ પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરી જરૂરી માહિતી આપી શકે છે.
