વલસાડમાં ભારે વરસાદ વચ્ચે NDRFનું સફળ રેસ્ક્યુ ઓપરેશન, પાણીમાં ફસાયેલા 3 મજૂરોને બચાવાયા
દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે આજે, 22 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાત માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી રાજ્યના 90 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં વલસાડમાં સૌથી વધુ 6 ઇંચ અને સુરત જિલ્લાના પલસાણામાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે.
ભારે વરસાદના કારણે વલસાડ શહેરના પાલીહિલ પાછળ આવેલા એસટીપી પ્લાન્ટ ખાતે ત્રણ મજૂરો વરસાદી પાણીમાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ NDRFની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને સમયસૂચકતા તેમજ કુશળતાથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ત્રણેય મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા.
આ સફળ કામગીરી બદલ NDRFની ટીમની સ્થાનિક લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે. તંત્રે નાગરિકોને અપીલ કરી છે કે ભારે વરસાદ દરમિયાન નીચાણવાળા વિસ્તારો, નાળા અને પાણી ભરાયેલા સ્થળોથી દૂર રહે તેમજ જરૂરી હોય ત્યારે જ બહાર નીકળે.
