કાલોલ તાલુકાના બોરૂ ગામની સીમમાંથી પસાર થતી ગોમાં નદીમાં ચાલી રહેલા કથિત ગેરકાયદે માટી અને રેતીના ખનન સામે સ્થાનિક ગ્રામજનોએ રોષ વ્યક્ત કર્યો છે. આ મામલે જાગૃત નાગરિકોએ કાલોલ મામલતદાર વિકાસ પટેલને આવેદનપત્ર આપી જવાબદારો સામે તાત્કાલિક કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આવેદનપત્રમાં જણાવાયું છે કે ગોમાં નદીના પટમાંથી કેટલાક ઈસમો દ્વારા દિવસ-રાત કથિત રીતે ગેરકાયદે માટી અને રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે. અરજદારોનો આક્ષેપ છે કે અગાઉ સરપંચ અને તલાટી કમ મંત્રી સમક્ષ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. ઉપરાંત, રજૂઆત કરનારાઓને ધમકીઓ આપવામાં આવી હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ ગેરકાયદે ખનનના કારણે ગોમાં નદીના કુદરતી પ્રવાહ અને પર્યાવરણને નુકસાન પહોંચી રહ્યું છે. આ મુદ્દે બેલીમ ઇરસાદમહંમદ નુરમહંમદ, બેલીમ શહીદખાં ઇબ્રાહીમખાં, પઠાણ સાહીરખાન સિરાજખાન, બેલીમ રાહીદભાઈ હનીફભાઈ સહિતના ગ્રામજનોએ આવેદનપત્રમાં વહેલી તકે તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
અરજદારોએ ચેતવણી આપી છે કે જો સમયસર કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ ‘તાલુકા સ્વાગત’, ‘જિલ્લા સ્વાગત’ અને ‘રાજ્ય સ્વાગત’ કાર્યક્રમોમાં પણ રજૂઆત કરશે.
