ઝેરનામુવાડા ગ્રામ પંચાયતમાં બે વર્ષથી રસ્તાની સમસ્યા યથાવત, ગ્રામજનોમાં રોષ
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ઝેરનામુવાડા ગ્રામ પંચાયત હેઠળ આવેલા વેચાણા ફળિયું અને મોટા કુવા વિસ્તારમાં છેલ્લા લગભગ બે વર્ષથી રસ્તાની ગંભીર સમસ્યા યથાવત હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ રસ્તાના અભાવે નાના બાળકોને શાળાએ જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઉપરાંત કોઈ દર્દીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાની જરૂર પડે અથવા અન્ય જરૂરી અવરજવર કરવી હોય ત્યારે પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ધાર્મિક યાત્રા તેમજ અન્ય સામાજિક પ્રસંગોમાં પણ લોકોને અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આશરે 50 જેટલા પરિવારો આ વિસ્તારમાં વસવાટ કરે છે. અહીં બે પાણીની ચોકીઓ પણ ઉભી કરવામાં આવી છે અને પાણીની પાઇપલાઇનનું કામ પૂર્ણ કરીને ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું. જોકે ત્યારબાદ ટાંકીઓ સાથે જોડાયેલી કેટલીક પાઇપો તથા લોખડની સીડી ચોરી થઈ ગઈ હોવાનો પણ ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે, જેના કારણે પાણીની સુવિધાનો પણ લોકોને પૂરતો લાભ મળી રહ્યો નથી.
ગ્રામજનોનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં હજુ સુધી રસ્તા અને પાણીની સમસ્યાનું યોગ્ય નિરાકરણ આવ્યું નથી. તેમણે સ્થાનિક ગ્રામ પંચાયત સામે પણ અસંતોષ વ્યક્ત કર્યો છે.
ગ્રામજનોએ જિલ્લા અને તાલુકા કક્ષાના સંબંધિત અધિકારીઓને નમ્ર અપીલ કરી છે કે સ્થળ પર તાત્કાલિક તપાસ કરીને રસ્તા અને પાણીની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે, જેથી સ્થાનિક લોકોને મૂળભૂત સુવિધાઓનો લાભ મળી શકે.
