લાકડાના સોદાગરો બન્યા બેફામ! સણસોલી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વૃક્ષોનું બેફામ છેદન, તંત્ર ક્યારે જાગશે?
કાલોલ તાલુકા: પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સણસોલી, ઝેરનામુવાડા, અંબાલા, કાનોડ, મોકળ સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વૃક્ષોનું બેફામ છેદન થતું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. દિવસ-રાત કિંમતી વૃક્ષો કાપીને ટ્રેક્ટરોમાં ભરાઈ લઈ જવાતાં હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી ન થતાં ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ લાકડાના સોદાગરો કોઈપણ ભય વિના ખુલ્લેઆમ વૃક્ષો કાપી રહ્યા છે. અનેક વખત ટ્રેક્ટરોમાં ક્ષમતા કરતાં વધુ લાકડું ભરી તેમજ જોખમી રીતે ટ્રેક્ટર પર સવારી બેસાડીને જાહેર માર્ગો પરથી પસાર થતા જોવા મળે છે, જેના કારણે અકસ્માતનો પણ ગંભીર ભય ઉભો થયો છે.
ગ્રામજનોનું કહેવું છે કે જો સમયસર આ પ્રવૃત્તિ પર કડક નિયંત્રણ નહીં લાવવામાં આવે તો સમગ્ર વિસ્તારમાં હરિયાળી અને પર્યાવરણને ભારે નુકસાન પહોંચી શકે છે. કિંમતી વૃક્ષોના સતત છેદનથી પર્યાવરણનું સંતુલન પણ જોખમમાં મુકાઈ રહ્યું છે.
ગ્રામજનોએ વન વિભાગ, સ્થાનિક પોલીસ અને જિલ્લા તંત્રને તાત્કાલિક તપાસ કરી ગેરકાયદેસર રીતે વૃક્ષોનું છેદન કરતા લાકડાના સોદાગરો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ ઓવરલોડ અને જોખમી રીતે દોડતા ટ્રેક્ટરો સામે પણ વિશેષ ડ્રાઇવ હાથ ધરવાની માંગ ઉઠી છે.
હવે જોવાનું એ રહ્યું કે સંબંધિત તંત્ર આ ગંભીર મામલે ક્યારે હરકતમાં આવે છે અને ગ્રામ્ય વિસ્તારોમાં ચાલી રહેલા વૃક્ષોના બેફામ છેદન પર રોક લગાવવા માટે કડક પગલાં ભરે છે કે નહીં.
લાકડાના સોદાગરો બન્યા બેફામ!
Recent Comments
on Hello world!
